translation

છાપાંની આ તે કેવી દુનિયા?


સમજાતું નથી... આ બધાં અખબારોએ એમની બે લીટીઓ વચ્ચેની જગ્યા, અર્થાત્ લીડિંગ સાવ ઘટાડી નાખી. ફૉન્ટ સાઇઝ પણ એટલી નાની કરી નાખી કે છાપું વાંચનારો જે સાચો અને છેલ્લો વર્ગ, એટલે વડીલો, તેમને છાપું વાંચતા પરસેવો છૂટી જાય... મરણનોંધ આજે પણ ઘેરઘેર વંચાય છતાં, એની ફૉન્ટ સાઇઝ સરેરાશ કરતાં પણ ઓછી. સંસ્થા સમાચારને પણ લબડધક્કે ચડાવવાનો શિરસ્તો, જ્યારે કે આ બધી સંસ્થાઓ અને સંસ્થાઓના ગુજરાતી સંચાલકો જ ગુજરાતી છાપાંઓના સાચા વાચક, સાચા સમીક્ષક છે. છાપાંઓને જાહેરાત જોઈએ ત્યારે રહ્યાંસહ્યાં ગુજરાતી અખબારોના આ શુભચિંતકો કામ આવે છે. તેઓ બાપડા છાશવારે, પોતાની સંસ્થાઓના પ્રસંગોએ, અખબારની વર્ષગાંઠ અને એવા અવસરે પણ, જાહેરાત આપીને પ્રકાશકોને ખટાવતા રહે છે. અખબારમાલિકો, તંત્રીઓ અને પત્રકારો સુધ્ધાંને જે પ્રેમ અને માન ગુજરાતી પ્રજા આપે તે અન્યો ના આપે.

હવે, મુદ્દો એ છે કે લીડિંગની પથારી ફેરવીને, ફૉન્ટ્સ એટલે અક્ષરો નાના, હજી નાના, એનાથી પણ નાના કરી કરીને, ઠાંસીઠાંસીને સમાચારો ભરવાના હાસ્યાસ્પદ પ્રયાસો કરીને પછી, કોઈ એ સમજતું કેમ નથી કે આમાંના કેટલા સમાચાર કામના, તાજા, સાંપ્રત અને આપણા વાચકો માટે અર્થપૂર્ણ? ક્વૉન્ટિટી અને ક્વૉલિટી વચ્ચેનો ભેદ સમજ્યા વિના આ રીત પાછળ રઘવાયા થવાનો અર્થ નથી. ડિટ્ટો આ મુદ્દો લાગુ પડે છે તસવીરોની ઘટતી સાઇઝ અને સંખ્યાને. એવું કેમ ના થઈ શકે કે લાંબાલચક, કંટાળાજનક અને સડિયલ સમાચારો છાપવા કરતાં એક સુંદર તસવીર મૂકી, સાથે ફૉટો કેપ્શન અને પત્યું.

પછી, પત્રકારોને બાયલાઇન આપવામાં વળી શાની પેટમાં ચૂંક ઊપડતી હશે સૌના? વાસ્તવમાં તો માત્ર રિપોર્ટિંગ નહીં, પીટીઆઈ અને યુએનઆઈ કે અન્ય કોઈના સમાચારને, સાદી પ્રેસ રિલીઝને પણ એડિટ કરનાર સબ-એડિટર એટલે ઉપસંપાદકની બાયલાઇન પણ મેટર સાથે મુકાવી જોઈએ. શું કામ? કેમ કે એનાથી જવાબદારી, નિષ્ઠા, કાળજી અને પડકારમાં વૃદ્ધિ થાય છે. સાથે, કામ કર્યાનો સંતોષ પણ વળે છે. અહીં તો એવું કે ગુજરાતી પત્રકારત્વમાં નથી પૈસા, નથી પૂરતું માન, નથી સંતોષ કે નથી દાયકાઓના દાળિયા કર્યા પછી પણ, આર્થિક નિશ્ચિંતતા.

સમાચાર પ્રસિદ્ધ કરવા ફૉન્ટ્સ નાના કરવા, તસવીરોનું કાસળ કાઢી નાખવું, એ બધું કરીને પણ કચરાછાપ સમાચાર છાપવા હોય તો અર્થ શો? રિપોર્ટિંગ કર્યા વિના ટેલિવિઝન, ઉતારા અને એજન્સીઓ પર જ નભવું હોય તો બજારમાં રહેવાનું શું?

ગુજરાતી અખબારોને લાગેલી આ બધી બીમારીઓ વત્તા સરળમાં સરળ ગુજરાતી શબ્દના સ્થાને પણ અંગ્રેજી શબ્દો વાપરવાની ભદ્દી ટેવ, ભાષાની ઐસીતૈસી કરીને ગમે તેવા અલેલટપ્પુના લખાણને વગર સુધારા કે મુદ્રણદોષ છાપછાપ કરવાની ચળ, જે ગુજરાતીઓ જ તેમના વાચક છે તેમને વિશ્વાસમાં કે ચાહનામાં નહીં રાખવાની આદત, એ બધાં પછી પણ જમીનથી બે વેંત અદ્ધર ચાલવાનો તોર અને ફાંકો રાખવો કે ભાઈ અમે તો છાપાવાળા... એ બધાંનો સરવાળો એટલે ઘટતા ફેલાવા, ઘટતી વિશ્વસનિયતા, જાહેરાતની ઘટતી આવક અને ઘટતી જતી અખબારોની આવરદા.

વીસ વરસ પછી કેટલા ગુજરાતીઓના ઘરમાં એકાદ ગુજરાતી છાપું જોવા મળશે?

- સંજય વિ. શાહ

Comments