translation

અમૃતસર, ખરેખર અમૃતસમ નગર


ધર્મના પ્રભાવને, માણસાઈ પરના વિશ્વાસને અને પર્યટન કે યાત્રા જે કહો તેના સંતોષને ચરમસીમાએ લઈ જાય છે ગોલ્ડન ટેમ્પલની મુલાકાત. એક વખત ત્યાં જવું એ સૌનો સંકલ્પ હોવો જોઈએ. સત શ્રી અકાલ...

 

ભગવાનનાં કોઈ પણ ધામમાં જઈએ ત્યારે આનંદ અને અનુભૂતિ અમૃતસરમાં થઈ એવી થવી જોઈએ....

નવી દિલ્હીથી વહેલી સવારે ટાઢમાં થરથરતી હાલતમાં અમારે સેકન્ડ ક્લાસ સીટિંગ કોચમાં અમૃતસર પહોંચવાનું હતું. મૂળે ટિકિટ હતી અન્ય ટ્રેનની અને થર્ડ એસીની, મધરાત પછી ત્રણેક વાગ્યાની. એ ટ્રેન થઈ કેન્સલ અને અમારે લેવી પડી બીજી ટ્રેન. એમાં નીકળી ગયા ભુક્કા, કેમ કે નોર્મલ કોચમાં ઠંડીનું પ્રમાણ અફલાતૂન હદે વધારે. અમારી પાસે એકાદ બ્લેન્કેટ અને બેએક આછીપાતળી ચાદર ખરી, એટલે ત્રણ મિત્રોએ એક-એક સાધન ઓઢવાને લઈ લીધું. છતાં, અમૃતસર પહોંચતાં સુધીમાં રાડ જરૂર પડી ગઈ. ખેર... 

પછી પહોંચ્યા હોટેલ. પેલી ટ્રેન રદ થઈ ત્યાં સુધી તો હોટેલ બુક કરી નહોતી. વિચાર સ્પષ્ટ હતો કે વહેલી સવારે અમૃતસર પહોંચીને,  હરમંદિર સાહિબ અર્થાત્ ગોલ્ડન ટેમ્પલ પાસે કોઈક હોટેલ બુક કરી લેશું. પછી વિચાર બદલાયો. અડધી રાતે નેટ સર્ફિંગ કરતાં બુક કરી નાખી ગોસ્ટોપ્સની બંકર બેડવાળી હોટેલ. ત્રણ જણના, ત્રણ દિવસ માટે, રૂપિયા સાડાત્રણ હજાર પડ્યા. એ મોટી ભૂલ હતી. ત્યાં જઈને હોટેલ બુક કરી હોત તો છસો રૂપિયા દહાડા મુજબ, મંદિરની સાવ નજીક પ્રાઇવેટ રૂમ મળી જાત. હશે. 

વરસોની એક ઇચ્છા હતી કે ગોલ્ડન ટેમ્પલમાં માથું ટેકવવું છે. કોઈક પૂર્વજન્મનું કનેક્શન હશે, બીજું શું. શહેર પહોંચીને અમે રિક્શા કરીને પહોંચ્યા હોટેલ. એ સ્ટેશનથી પોણોએક કિલોમીટરે અને સહેલાઈથી ચાલતા પહોંચી શકાય તેટલા અંતરે હતી. ત્યાં જે ગમ્યું એ આજકાલની બંકર બેડ ટાઇપ હોટેલનો દેખાડો હતો. એ દેખાડો મૂળે તો ફોરેનર્સને વધુ ગમે, અને આપણે એને ગમતીલો કરી શકીએ. જેની હોટેલ હતી એ માલિક જોકે મીઠડો નહીં. અમે પૂછ્યું કે ભાઈ, ટુવાલ તો આપ, તો કહે કે ટુવાલ રૂમ સાથે ના મળે, જોઈએ તો ત્રણસો રૂપિયા ડિપોઝિટ અને રોજના સો રૂપિયા ભાડા પ્રમાણે લઈ લો. અમે છક્ક. ટુવાલ લીધા વિના મનમાં કહ્યું, તું એકલો વાપર્યે રાખ તારો ટુવાલ. પછી, બજારમાં જઈને અમે સો રૂપિયામાં નવો ટુવાલ લઈ લીધો એ અલગ વાત... એવું જ ગરમ પાણીનું, કેમ કે એ વારંવાર બંધ પડે. બાથરૂમમાં બાલદી ના મળે અને સીધા ફુવારા નીચો નહાતા પહેલાં જો ઠંડા-ગરમ પાણીનું સંતુલન થાય તેમ નળ ના ગોટવ્યો તો દાઝી જવાની પૂરેપૂરી શક્યતા રહે. એમ તો હોટેલની વેબસાઇટ પર હાઇ સ્પીડ ઇન્ટરનેટ વાઈ-ફાઈ અને ચા-નાસ્તો ભાડામાં સામેલ એવું લખ્યું હતું, પણ વાસ્તવિકતા જુદી હતી. ઇન્ટરનેટની સ્પીડ સાધારણ હતી. રોજ એ ડિસકનેક્ટ થઈ જતું હતું. તમારે કાલકૂદી કરવી પડે એમ રિસેપ્શને જઈને વળી રિકનેક્ટ કરાવવાનું એવી પ્રથા હતી. ચા અને નાસ્તો તો મળી રહ્યાં ભાડામાં. પૂછ્યું તો ખબર પડી કે ચાનો એક કપ માત્ર સો રૂપિયા દીધે મળી રહેશે. અમૃતસરમાં અમારે જોકે આ હોટેલ અને એકાદ રિક્શાવાળાને બાદ કરતાં કશે નકારાત્મક અનુભવ સહન કરવાનો નહોતો.  

હરમંદિર સાહિબ... ગોલ્ડન ટેમ્પલ... અમૃતસર જ નહીં, આખા દેશ માટે પવિત્ર સ્થાન. માત્ર મંદિર શાને, આખો પરિસર એવો પાવન ભાસે કે શું કહીએ. ભર બપોરે પણ કડકડતી ઠંડીના દિવસોમાં અમારી ત્યાંની મુલાકાત. એયને લાંબી કતાર અને એમાં જોડાઈને અમારા વારાની રાહ જોતાં થયું કે કેટલો વખત જશે... પણ કલાકેકમાં તો અમે અંદર... એ કલાક પણ જાણે પલકવારમાં વીતી ગયો. કારણ સાઉન્ડ સિસ્ટમ પર સંભળાતી અને મંદિરમાં લાઇવ ચાલતી ગુરબાની એવી ભક્તિ રસતરબોળ કરી દેનારી કે ના પૂછો વાત. 

મંદિરમાં ફોટોગ્રાફી વગેરે પર પ્રતિબંધ છતાં, અનેક હરખપદુડા એવા કે એમનો મોબાઇલ ઝાલ્યો ઝલાય નહીં. એવા અળવીતરાઓને પણ સેવાદારો એટલે કે સેવકો બહુ સલુકાઈથી, માત્ર આંખના ઇશારે સમજાવે કે ફોટોગ્રાફી ના કરશો. કોઈ બદતમીજી નહીં, કોઈ આછકલાપણું નહીં. 

દર્શન કરીને અમે પહોંચી ગયા લંગરમાં. ભૂખ કકડીને લાગી હતી. જેને વિશ્વમાં સન્માન મળ્યું છે તેવા પ્રસાદી લંગરનો અનુભવ માણવાની અપાર તાલાવેલી પણ હતી. ગણતરીની પળોમાં અમારો વારો આવી ગયો. રોટી, માં કી દાલ, સબ્જી અને ખીરનું એ ભોજન ખૂબ ભાવ્યું અને વળી એકવાર ખાતરી થઈ ગઈઃ ખવડાવનારની નિયત ઊંચી, તેથી અન્નમાં ઈશ્વરનો સ્પર્શ વર્તાય. એ પછી ત્રણ દિવસના મુકામમાં એકવાર હજી અમે લંગરમાં પ્રસાદ માણ્યો અને હૈયાને તૃપ્ત કર્યું. 

અમૃતસર જઈને સૌએ ગોલ્ડન ટેમ્પલ અચૂક જવું જોઈએ. આ રહી એની થોડી વિશેષતાઓઃ 

01. અન્ય મંદિરોમાં જેમ દુકાનદારોથી માંડીને પૂજારીઓ દર્શનાર્થીઓને પજવે છે, તેમની આસ્થાનો કચ્ચરઘાણ વાળે છે, એમાંનું કશું અમૃતસરમાં થતું નથી. તમતમારે દર્શન કરો, પ્રસાદ લો અને પછી પણ મન ભરાય નહીં તો મંદિર ફરતેના સરોવરની પાળે નિરાંતે બેસીને ગુરબાની સાંભળો અને ભગવાનમાં પરોવાયેલા રહો. લાખો જણ જ્યાં રોજેરોજ ઉમટે ત્યાં આવી શિસ્તબદ્ધતા સલામને પાત્ર ગણાય. 

02. અમે રહેવા માટે હોટેલ એડવાન્સમાં બુક કરાવી એ ભૂલ. એનાથી મોટી ભૂલ કે અમે મંદિરના ટ્ર્સ્ટ, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીની જગ્યામાં રૂમ ના લીધી. તમે એમાં જ લેજો. હજાર રૂપિયામાં અવ્વલ રૂમ મળશે અને એ પણ મંદિરની સાવ સમીપ. 

03. આસપાસનો કોઈ પણ દુકાને કશુંક ખાવા, ખરીદવા તો ઠીક, જોવા પહોંચી જાવ તો પણ રૂક્ષ વર્તન કે સંભાષણ અનુભવવા નહીં વળે. બાકી, આપણને તો અનુભવ હોય છે જ કે માણસ જોયું નથી કે મંદિર આસપાસના દુકાનદારો અને હોટેલ માલિકો વગેરે હાથ ઝાલીઝાલીને, લોહી પી જઈને આપણી આસ્થા અને આનંદને પાતાળસોતી કરી નાખતા હોય છે. 

04. ગોલ્ડન ટેમ્પલ આસપાસ અનેક લોકો આપણને વાઘા અથવા અટારી સરહદે લઈ જવા યોગ્ય ગ્રાહક બનાવવા, અમુક વળી હોટેલમાં રૂમ અપાવવા માટે કેનવાસિંગ કરે છે. એ લોકો પણ પીડશે નહીં એ નક્કી. કદાચ એક સુંદર સંસ્કૃતિ વિકસી છે ત્યાં. ઇન ફેક્ટ, દેશનાં ઘણાં મંદિરો આપસાપનાં દુકાનદારો, પૂજારીઓ અને મંદિરોના સંચાલકોને પણ ગોલ્ડન ટેમ્પલ લઈ જવા જોઈએ અને ટ્રેનિંગ આપવી જોઈએ. 

05. ખાલી એટલું ધ્યાન રાખજો કે રિક્શાવાળા, ખાસ તો વાઘા બોર્ડર લઈ જનારા, કદાચ તમારો મૂડ કરાબ કરી નાખે. એ લોકો થોડા તોછડા વર્તાશે અને લોકોને ખંખેરવાની વૃતિ ધરાવનારા છે. 

06. મંદિર નજીક જલિયાંવાલા બાગ પણ છે. દર્શન સાથે ત્યાં પણ જવું અનિવાર્ય છે, કેમ કે આઝાદીની લડાઈમાં નોંધાયેલી સૌથી ખોફનાક કત્લેઆમનું સાક્ષી એ સ્થળ છે. ત્યાં પણ કોઈ પીડશે નહીં અને તમે તમારી ગતિએ અને ઇચ્છાનુસાર ઝીણીઝીણી વિગતો નિહાળી શકાશે.  

07. ખાવાની ચિંતા જરાય કરવી નહીં. અમૃતસરમાં પંજાબના સ્વાદના સંસ્કારને ઝળકાવે એવા ભોજન વિકલ્પો ડગલે ને પગલે છે. એ વિકલ્પો સાધારણથી લઈને સારા બજેટના છે. સાવ નાની અને ક્ષુલ્લક લાગતી હોટેલ અથવા સ્ટોલમાં પણ એકાદ આલુ પરાઠા ખાશો તો સ્વાદ દાઢે વળગી રહેશે. 

08. ગોલ્ડન ટેમ્પલ નજીકના પાર્ટિશન મ્યુઝિયમમાં પણ જરૂરથી જવું. ઇતિહાસના શોખીન હોવ તો અડધો દિવસ ફાળવીને જવું. ભાગલા વખતે અમૃતસર અને પાડોશી દેશના લાહોરની, સાથે દેશના લાખો લોકોની જે અવદશા થઈ છે તેની વિગતો ત્યાં જાણવા મળશે. એવી કે આંખો ભરાઈ આવશે અથવા કમ સે કમ હૈયું વલોવાઈ જશે. 

09. વાઘા બોર્ડર પર મૂળ પેલો ધ્વજ ઉતારવાનો કાર્યક્રમ સાંજે ચાર પછી શરૂ થાય. એને વ્યવસ્થિત માણવા માટે જો આગલી હરોળમાં બેસવું હોય તે ત્યાં ત્રણેક વાગ્યે પહોંચી જવું. એ માટે મંદિર નજીકથી એકથી દોઢ વચ્ચે રવાના થઈ જવું. 

10. અમે શિયાળામાં ગયા અને એટલું જાણ્યું કે શિયાળે જરા ભીડ ઓછી હોય છે. ઉનાળે ભીડ સાથે હોટેલ વગેરેનાં ભાડાં પણ વધે છે. જોકે ડિસ્મ્બરથી ફેબ્રુઆરી સુધીમાં જો તક મળે તો એ સમયગાળામાં ત્યાં જવાનું રાખવું.

 

#અમૃતસર #ગોલ્ડનટેમ્પલ #હરમંદિરસાહિબ #વાઘાબોર્ડર #પાર્ટિશનમ્યુઝિયમ #જલિયાંવાલાબાગ #Amritsar #HarmandirSahib #GoldenTemple #WagahBorader #partitioniMuseum #JalianwalaBagh 

Comments