new delhi world fair 2017

શીખીએ ગુજરાતી - 1



ઘણા ભાષાંતરકારો અને લખનારા સાથે પણ અમારે કાયમ પનારો પડે છે. પહેલાં પણ પડતો હતો, આજે પણ પડે છે. એમાંના ઘણા એવા પણ હોય છે જેઓ આ ક્ષેત્રમાં, એટલે કે લેખનક્ષેત્રમાં ખાસ્સાં વર્ષોથી હોય. સ્વાભાવિક છે કે એ સૌને એમ હોય કે મારી પાસે બહોળો અનુભવ છે અને મને મસ્ત લખતા કે ભાષાંતર કરતા આવડે છે. વાસ્તવિકતા એ હોય છે કે અમને ભટકાનારા ઘણા એવા હોય છે જેમને પોતાની માતૃભાષાના પાયારૂપ સિદ્ધાંતો સુધ્ધાં ખબર હોતા નથી.


આ તો એક વાત થઈ.


બીજી વાત એ છે કે એમને જરાક માર્ગદર્શન મળે, એમના મનમાં કોઈ (આ ઇ અને ઈના મામલે પણ આગળ વાત કરીશું કોઈક દિવસ) એટલું સ્પષ્ટ કરી દે કે બાપડા, આવી ભંકસ ભૂલો કરીને તમારું નાક ના કપાવો અને ભાષાનો દાટ વાળશો નહીં, તો ખાસ્સો ફરક પડી શકે.

એનો પ્રયત્ન કરવો છે. ક્રમવાર નહીં પણ જેમ યાદ આવશે તેમ, ભાષાશુદ્ધિ માટેના સાદા-સરળ નિયમો અહીં લખવા છે અમારે.

જેમ કે હિન્દીની વરવી નકલ કરીને આજકાલ સૌ ગમે તે બે, ત્રણ કે ચાર શબ્દો વચ્ચે હાયફન એટલે કે સંયોગચિહ્ન મૂકતા થઈ ગયા છે, જે સદંતર ખોટું છે. જરા સુધરો. મૂળ નિયમો જાણો. જાણશો તો તમારું લખાણ સુધરશે અને ભાષાને પણ દંશ નહીં લાગે. અમે આ પ્રયત્ન કરવા નીકળ્યા છીએ. ભાષાની પથારી ફરે ત્યારે અમને બહુ માઠું લાગે છે એટલે.

અહીં જે લખાશે એનો ફાયદો જેઓ લઈ શકશે તેમને હમણાંથી વંદન.

તો, પહેલી વાત.

નો, ની, નું, ના, થી, માં (આ માં એટલે ઘરમાં, મનમાં વગેરેવાળું માં, અને મમ્મીવાળું મા હોય, એમાં અનુસ્વાર ન આવે), વાળું, વાળી, વાળા વગેરે એમની પહેલાંના શબ્દ સાથે લખાય, વિખુટા પાડીને નહીં.

અમારા ઘર માં એક બિલાડી છે.

આ સદંતર ખોટું છે હોં.

સાચું આમ હોય...

અમારા ઘરમાં એક બિલાડી છે.

તમારા મન ના નિયમો નહીં બનાવો વ્યાકરણ ના.

આ સદંતર ખોટું છે હોં.

સાચું આમ હોય...

તમારા મનના નિયમો નહીં બનાવો વ્યાકરણના.

હવે, આવા થોડાં ઉદાહરણ સાગમટે જોઈએઃ

ખોટું સાચું
મન નું મનનું
રાજા ને રાજાને
રાણી ની રાણીની
પૈસા વાળો પૈસાવાળો
કટકટ વાળું કટકટવાળું
ઘર થી ઘરથી
મૂરખ નો મૂરખનો


આ નિયમનો અમલ કરો. ભાષાને તમારા પોતાના ભમરડાની જેમ ગોળગોળ, આમતેમ ના ફેરવો.

ભણેલાગણેલા છો અને ગુજરાતી છો. પોતાની ભાષા લખતી વખતે આવી ક્ષુલ્લક અને અક્ષમ્ય ભૂલ કરવી શોભતી નથી તમને.

સમજ્યા?

વળી પાછા મળીશું, બહુ જલદી, બીજા એક મુદ્દા સાથે.

માંગરોળ મલ્ટીમીડિયાના રામ રામ.

અમને જાણો અહીંની મુલાકાત લઈનેઃ www.mangrol.in

અમને લખોઃ [email protected]

Comments